પ્રેમ નો રંગ ગુલાબી..!!
પ્રેમ નો રંગ ગુલાબી. વેલેન્ટાઈન વાળા લાલ કહે, પણ મને ગુલાબી વધારે ગમે. માણસ ની આભા ગુલાબી થઈ જાય પ્રેમ માં એવું લાગે. જુસ્સો, રફતાર જે નસો માં હોય એ લાલ હોતું હશે. પણ પ્રેમ તો જુસ્સા ની સાથે શુધ્ધતા પણ માંગે. રફતાર સામે સમતા પણ માંગે ને સફેદ સાકર જેવી મીઠાશ પણ માંગે. ધબકતા હૃદય મા શાંત આત્મા ભળે એવું. જ્યારે એ બે ભેગા થાય ત્યારે જ ગુલાબી થાય. કાળાશ વગરનો; મસ્તી અને આનંદ સાથે નિષ્ઠા અને સમર્પણ વાળો. આસાન નથી - ઢાળ પર ગાડી ચાલુ કરવા જેવું કપરું છે. કલચ છોડતા છોડતા એક્સલરેટ કરવા જેવું. અગ્નિ અને પાણી ના મિલન કરતા પણ વધારે કુતૂહલ ભર્યું. કોઈ જંગ લડી લે, કોઈ જોગી બની જાય. સંતુલન થી દેદીપ્યમાન થાય, પણ ભપકાદાર હોય તો અકળામણ આવે. કોઈક વાર છેતરામણો બી સાચો લાગે, કોઈક વાર સામે હોય તો બી ના દેખાય. પણ જ્યારે મળે ત્યારે એને માણી લેવો, એને ઓઢી લેવો, અંતર માં એવો સમાઈ લેવો કે જે સામે મળે એ રંગાયા વગર રહે નહીં. 🙂
Comments